મુંબઇ-આગ્રા હાઇવે પર કાર દુર્ઘટનામાં પતિ, પત્ની, પુત્રી, ડ્રાઈવર સહિત 5 લોકોનાં મોત
મુંબઇ : મુંબઇ- આગ્રા હાઇવે પર ધૂળેમાં સોનગીટ ટોલ નાકા નજીક કાર અને રસ્તા પર ઉભેલા ટ્રેક્ટર ટકરાતા થયેલા ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ જણ સહિત પાંચ જણ મોતને ભેટયા હતા. આ દુર્ઘટનામાં મૃતક દંપતીના પુત્ર, પુત્રી ગંભીરપણે જખમી થયા હતા. તેમની હાલત નાજુક છે.
નાશિકમાં સિડકો પરિસરમાં રહેતા સંદીપ ચવ્હાર તેજાના પરિવાર સાથે શિરપૂર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા પછી તેઓ કારમાં પાછા ઘરે આવી રહ્યા હતા. પણ ધૂળેમાં કાર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. રસ્તા પર ઉભેલા ટ્રેક્ટર સાથે પાછળથી કારની અથડામણ થઇ હતી.
અકસ્માતમાં સંદીપ તેની પત્ની મીના, ડ્રાઇવર ગણેશ ચૌધરીનું તેમજ રસ્તા પર કામ કરનારા એક જણનું જગ્યા પર મૃત્યુ થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપની ચાર વર્ષીય પુત્રી જાન્હવી જીવ ગુમાવ્યો હતો.
આ દંપતીના છ વર્ષીય પુત્ર ગણેશ અને પુત્રી સાક્ષી (ઉં.વ. ૧૦)ની હોસ્પિટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. પોલીસે અકસ્માતની નોંધ લઇ વધુ તપાસ હાથધરી છે.