ગોંડલના ભુણાવા પાસે કાર – ટ્રક અથડાતાં યુવાન અને યુવતીના મોત
ગોંડલ – રાજકોટ નેશનલ હાઇવે પર ભુણાવા ચોકડી પાસે આજે વહેલી સવારે ટાટા હેરીયર કાર તથા ટ્રક ધડાકાભેર અથડાતા કારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો. કારના ચાલક એવા કોઠારિયા ગામના યુવાનનું ગંભીર ઇજાને લીધે ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલી અમરેલીની યુવતીને ગંભીર ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.અકસ્માત અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ નજીકના કોઠારીયા ગામે રહેતા અને રાજકોટ શહેરના ડી’રાઝ કાફેમાં મેનેજર તરીકે નોકરી કરતા હર્ષ ભરતભાઈ ભાલાળા (ઉં.વ. 22) કાફે માલીકની ટાટા હેરિયર કાર લઇ ગોંડલ તરફ આવી રહ્યા હતા.
ત્યારે ભુણાવા ચોકડી પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા પરિવારના એકના એક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સાથે રહેલી અમરેલીના મોહનનગરમાં રહેતી ઉર્વી અરજણભાઈ ભુવા નામની યુવતીનું સારવાર દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું. મૃતક યુવતીની ઓળખ તેના આધારકાર્ડ દ્વારા થવા પામી હતી.
પોલીસે અમરેલી તેના પરિવારને જાણ કરતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવતી છેલ્લાં પાંચ વર્ષથી રાજકોટ એકલી રહેતી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલો હર્ષ તેના કાફે માલીકની કાર લઇ ગોંડલ તરફ નીકળ્યો હતો.
ભરૂડી ટોલનાકા પરથી પસાર થતા ફાસ્ટેગમાંથી ટોલટેક્સ કપાતા કાર માલીકને મેસેજ થતા પોતાની કાર ગોંડલ તરફ કેમ પહોંચતા તેવા આશ્ચર્ય સાથે તેમણે હર્ષને મોબાઇલ કરતા કોઈ એ મોબાઇલ ઉપાડી અકસ્માતની જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસના એએસઆઈ બીએમ જાડેજાએ હાથ ધરી છે.