GUJARAT

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પહેલીવાર ખુલ્લા દિલથી બોલ્યા ટોચના બિઝનેસમેન અને નેતાઓ

પ્રમુખ સ્વામી મહારાજ અને તેમનું કાર્ય દુનિયાભરના કોર્પોરેટ્સ માટે કેસ સ્ટડીથી કમ નથી. અમદાવાદમાં ચાલી રહેલો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ પણ એનું તાજું ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે જ આ વાત કરી હતી. આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કંઈક આવી જ વાત કરી છે. ગત ચોમાસાના દિવસોની વાત કરતાં કરતાં તેમણે આ પ્રમુખ સ્વામીનગરની વાત કરી. અમિત શાહે જણાવ્યું હતું કે નગરનું આયોજન એટલું અદભુત છે કે તે દેશ-વિદેશના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે એક કેસ સ્ટડી છે. પ્રમુખ સ્વામીની સ્મૃતિમાં ગૌતમ અદાણી, પંકજ પટેલ, સુધીર મહેતા, પરિમલ નથવાણી, જી. એમ. રાવ અને ટી. એસ. કલ્યાણ રામન સહિતના ટોચના બિઝનેસ ટાયકૂને પણ કંઈક આવી જ વાત કરી.

‘પ્રમુખ સ્વામીએ ઈન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ઊભું કર્યું છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી વિશે આ શબ્દો કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે શતાબ્દીઓ સુધી પરંપરાઓ આવશે, સંતો આવશે, પણ આ વ્યવસ્થા એવી છે કે પેઢીઓ સુધી આમ જ અડીખમ ઊભી રહેશે. એટલું જ નહીં, મોદીએ પ્રમુખ સ્વામી સાથેની કેટલીક યાદો પણ તાજી કરી. મોદીએ કહ્યું હતું કે આજે બાપા જ્યાં પણ હશે ત્યાંથી તેમને જોતા હશે.

‘મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ માટે કેસ સ્ટડી સમું નગર’
આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અહીં માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યો એકસાથે જોવા મળે છે. સ્વામિનારાયણનગર એટલું ભવ્ય છે કે તેની કલ્પના ના થઈ શકે. ગત ચોમાસાના દિવસોમાં જ તેમણે અહીં ખુલ્લાં ખેતરો જોયાં હતાં અને આજે ભવ્યાતિભવ્ય નગર જેની કલ્પના પણ થઈ શકે એમ નથી. આટલા માટે જ તેમણે આ નગરને દુનિયાભરના મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે સક્સેસફુલ કેસ સ્ટડી સમું ગણાવ્યું છે. શાહે વધુમાં કહ્યું હતું કે તેમના જીવનના અનેક ઉતાર-ચઢાવમાં પરિવાર કરતાં પણ પહેલો ફોન પ્રમુખ સ્વામી મહારાજનો આવ્યો છે અને એ માટે તેઓ સદાયને માટે તેમના ઋણી રહેશે.

‘હું વર્ષોથી BAPSના કોઈપણ પ્રોજેક્ટને અચરજથી જોઉં છું’
આ વાત અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રમુખ સ્વામીના દરેક કાર્યએ તેમને અભિભૂત કર્યા છે. તેમણે સ્વીકાર્યું છે કે રિયલ્ટી ક્ષેત્રમાં અદાણી દેશભરમાં આગવા સ્થાને છે, પણ પ્રમુખ સ્વામીના કામની તોલે ના આવી શકે. અહીં સ્વયંસેવકોનું જે સમર્પણ છે એ અકલ્પનીય છે. મોટાં ઔદ્યોગિક ગૃહ પણ સ્વામિનારાયણ નગરમાંથી શીખ લઈ શકે છે. અબુધાબીનું BAPS મંદિર બતાવે છે કે માનવતાનાં મૂલ્યો દેશની સરહદ સુધી સીમિત નથી.

‘પ્રમુખ સ્વામીનું જીવન જ ઉત્તમ પાઠશાળા સમાન’
તો ઝાયડસ કેડિલા ગ્રુપના પંકજ પટેલે કહ્યું હતું કે BAPS એક એવી સંસ્થા છે, જે માનવતાને નાતે સૌકોઈનો વિચાર કરે છે અને તેનાં કાર્યો પણ સૌના ઉત્કર્ષ માટે હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે સેવાને જ પોતાનો ધર્મ માની લાખો-કરોડો લોકોને સહાયતા કરી છે.

‘જ્યાં ઇશ્વર છે ત્યાં પ્રમુખ સ્વામીનો વાસ છે’
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ આ વાત કરી. તેમણે કહ્યું હતું કે આ સભા જ્યાં યોજાઈ રહી છે એ પણ એક ધામ છે અને અહીં પ્રમુખ સ્વામી મહારાજની હાજરી છે. માટે મારા માટે તો આ નગર જ ચારધામ છે. સ્વામિનારાયણનાં મંદિરો માત્ર મંદિર નથી હોતાં, પરંતુ માનવ ઉત્કર્ષનાં મંદિર છે, જ્યાં ઇશ્વર છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ છે.

‘વસુધૈવ કુટુમ્બકમનો અર્થ સ્વામીએ સમજાવ્યો’
ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના મતે પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન આધ્યાત્મિક્તા અને માનવતા માટે હતું. તેઓ સાચા અર્થમાં સમાજના ગુરુ હતા. તેમણે જ અમને વસુધૈવ કુટુમ્બકમનું સૂત્ર આપ્યું હતું. તેમની જન્મશતાબ્દીની ઉજવણીમાં સામેલ થવાની તક મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માની રહ્યો છું.

‘પ્રમુખ સ્વામીજીની દિવ્યતા આજે પણ અનુભવાય છે’
આ તરફ GMR ગ્રુપના ચેરમેન જી. એમ. રાવે કહ્યું હતું કે તેઓ આજે પણ પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતા અનુભવી શકે છે. તેઓ એકદમ નિર્મળ અને નિરાળું વ્યક્તિત્વ ધરાવતા હતા. “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ’નું તેમનું સૂત્ર હૃદયસ્પર્શી છે. તેઓ સનાતન હિન્દુ ધર્મના સાચા પ્રસારક છે.

‘સમાજસેવાનું એક અદભુત કાર્ય 100 વર્ષથી ચાલે છે’
આ વાત કલ્યાણ જ્વેલર્સના ચેરમેન ટી. એસ. કલ્યાણ રામને કરી. તેમણે કહ્યું હતું કે તેઓ ખૂબ ભાગ્યશાળી છે કે આ પ્રસંગના સાક્ષી બની શક્યા. આ માટે તેમણે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજનો આભાર પણ માન્યો. તેમણે કહ્યું હતં કે 100 વર્ષ પહેલાં શરૂ થયેલી BAPS સંસ્થાના વટવૃક્ષનાં પાંદડાં દુનિયાના અનેક ખંડોમાં પહોંચ્યાં છે તેમજ સમાજસેવાનું અદભુત કાર્ય ચાલે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *