સુરતના આંગણે વિશાળ ફાર્મ હાઉસમાં પથરાયેલું છે ‘પ્રેમ-લક્ષ્મી મંદિર’

રોજી રોટી માટે વતન છોડીને સુરત આવેલા કેટલાય પરિવાર એવા છે જે માત્ર એક રૂમ રસોડાના મકાનમાં ભાડે રહેતા હોય અને માંડ માંડ ગુજરાન ચલાવતા હોય. આવા પરિવારમાં સૌથી વધુ કફોડી સ્થિતિ વડીલોની હોય છે. ગામડાના મોટા ફળિયામાં રહેવા ટેવાયેલા વડીલોને શહેરની સંકડામણ ગૂંગળાવી નાંખે પણ ઉંમરના કારણે અથવા જીવનસાથીની વિદાયના કારણે ગામડે એકલા રહી શકાય તેમ ન હોય એટલે શહેરમાં આવવું પડે.

ગામડું છોડીને સુરત આવેલા આ વડીલો માટે એક બીજી મોટી સમસ્યા એ છે કે સવારે દીકરો કામે જતો રહે પછી ઘરમાં વહુ હોય અને એક જ રૂમનું ઘર હોય એટલે મહિલા વડીલને તો બહુ વાંધો ન આવે પણ પુરુષ વડીલને ઘરમાં રહેવામાં સંકોચ થાય અને એમાં પણ જો દાદા વિધુર હોય તો ઘરમાં બેસી રહેવા એનું મન કદાપિ ન માને. દીકરો કામે જાય એટલે વડીલો પણ ઘરની બહાર નીકળી જાય. બહાર મંદિર કે બગીચો કે પછી રોડ પર બેસીને સમય પસાર કરે અને સાંજે દીકરો ઘરે આવવાની રાહ જુવે. દીકરો કામ પરથી ઘરે આવે ને વડીલ પણ બહારથી ઘરે આવે. દીકરા અને વહુની પૂરી ઈચ્છા હોય કે વડીલો માટે બધી વ્યવસ્થા કરે પણ આવકના સાધનો જ એટલા ટૂંકા હોય કે એ શક્ય ન હોય.

સુરતના સામાજિક અગ્રણી વલ્લભભાઈ સવાણીના ધ્યાન પર આ વાત આવી એટલે એમણે નક્કી કર્યું કે આવા વડીલો માટે કંઇક કરવું છે. વડીલોનો સમય મોજથી વિતે અને વધુ જીવવાની એમને ઈચ્છા થાય એવું સેવાકાર્ય કરવું છે. સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા પોતાના વિશાળ ફાર્મમાં આ માટે વલ્લભભાઈએ વડીલો માટે વિશિષ્ટ સુવિધા ઊભી કરી. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી વડીલો ફાર્મ સુધી પહોંચી શકે એ માટે વાહનની વ્યવસ્થા પણ કરી. પી.પી.સવાણી ગ્રુપની બસો બપોરે જુદા જુદા વિસ્તારમાં જાય અને વડીલોને ફાર્મ પર લઈ આવે. બપોરના ૨ વાગ્યા પહેલા બધા જ વડીલો જુદી જુદી જગ્યાએથી બસ દ્વારા ફાર્મ પર આવી જાય.

ફાર્મ પર આવે એટલે વડીલોના ટેસ્ટ મુજબની સરસ ચા – કોફી સાથે વડીલોનું સ્વાગત થાય. બેસવા માટે ફાર્મના એક ભાગમાં સુંદર શેડ તૈયાર કર્યો છે ત્યાં બેસે. સવાણી સ્કૂલના જ એક નિવૃત્ત આચાર્ય બધા વડીલોને જુદી જુદી કથાઓ કહે. વડીલો પણ પોતાની ઈચ્છા મુજબ વાતો કરે, ધૂન, ભજન ને કીર્તન થાય. જે વડીલો પહેલા માત્ર ઓટલે બેસી રહેતા એ વડીલોને જુદી જુદી રમતો પણ રમાડવામાં આવે. જાણે કે બાળપણ પાછું આવ્યું હોય એમ બધા દાદા-દાદીઓ મોજ-મસ્તી અને આનંદ કિલ્લોલ કરે. સાંજ પડે એટલે બધા વડીલોને પેટ ભરીને ઉંમરને માફક આવે એવો સ્વાદિષ્ટ નાસ્તો કરાવવામાં આવે અને પછી બસોમાં બેસીને સાંજે પોત પોતાના ઘરે જાય.

વલ્લભભાઈ સવાણી આ પ્રવુતિ છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છે જેનો 250 કરતા વધુ વડીલો લાભ લઈ રહ્યા છે. વડીલોના આ મિલનસ્થાનને નામ આપવામાં આવ્યું છે ‘પ્રેમ-લક્ષ્મી મંદિર’. વલ્લભભાઈએ એમના પિતાજી પ્રેમજીભાઈ અને માતા લક્ષ્મીબેનના નામ ઉપરથી આ અનોખું પ્રેમલક્ષ્મી મંદિર તૈયાર કર્યું જે કેટલાય વડીલોના નીરસ જીવનને રસપૂર્ણ બનાવી રહ્યું છે. અહીંયા આવતા પ્રત્યેક વડીલમાં પોતાના માતા-પિતાની છબી દેખાય અને પૂર્ણ આદર સાથે એની સેવા થયા એટલે જ વલ્લભભાઈએ આવું નામ રાખ્યું હશે.

આ તમામ વડીલોને વર્ષમાં એકાદ વખત તીર્થયાત્રા પણ કરાવવામાં આવે છે. જુદા જુદા ઉત્સવો અને તહેવારોની ઉજવણીમાં સામેલ કરવામાં આવે છે. દર દિવાળીએ વડીલો એમની ઈચ્છા પ્રમાણે ખર્ચ કરી શકે એટલે રોકડ ભેટ પણ આપવામાં આવે છે અને સૌથી મહત્વની વાત કે વડીલોને પૂર્ણ આદર અને સન્માન સાથે સાચવવામાં આવે છે. પ્રેમલક્ષ્મી મંદિર બીજી રીતે જોઈએ તો દાદા-દાદીઓની શાળા છે. તેમાં ભણવાનું પણ છે, રમવાનું પણ છે અને રવિવારની રજા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *