GUJARAT

નાશિક-સિન્નર હાઈવે પર વહેલી સવારે અકસ્માત, 10 મુસાફરોનો કમકમટીભર્યા મોત

મુંબઇ : થાણે જિલ્લાના અંબરનાથથી શિર્ડી તરફ જઇ રહેલ એક ખાનગી યાત્રાળુ બસનો નાશિક- સિન્નર હાઇવે પર ભીષણ અકસ્માત થતા દસ જણના મોત થયા હતા જ્યારે ૨૦ જણ ઇજા પામ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ અમૂક જણની હાલત ચિંતાજનક બતાવવામાં આવી રહી છે. આ ભીષણ દુર્ઘટના આજે વહેલી સવારે નાશિક- સિન્નર હાઇવે પર પાથરે ગામ પાસે બની હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલ તમામ ૧૦ જણ અંબરનાથના મોરીવલી ગામના રહેવાસી હતી.આ દુર્ઘટના બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. 

આ દુર્ઘટના સંદર્ભે વધુ વિગત આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે થાણે જિલ્લાના અંબરનાથની એક ખાનગી કંપનીના કર્મચારીઓ તેમના પરિવારજનો સાથે શિર્ડી ખાતે દર્શનાથે જવા નીકળ્યા હતા.  કુલ મળીને ૧૫ બસ શિર્ડી જવા નીકળી હતી. આજે વહેલી સવારે આમાની એક બસનો નાશિક- સિન્નર હાઇવે પર પાથરે ગામ પાસે ભીષણ અકસ્માત થયો હતો.

શિર્ડીથી સિન્નર તરફ આવી રહેલ એક માલભરેલી ટ્રક અને ખાનગી બસ સામસામે અથડાતા બસમાં પ્રવાસ કરી રહેલા ૧૦ જણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે આ દુર્ઘટનામાં ૨૦ જણ ઘવાયા હતા. અકસ્માત સમયે દુર્ઘટનાગ્રસ્ત બસમાં ૪૫ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. 

દુર્ઘટનામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો અંબરનાથના મોરીવલી ગામના રહેવાસી હતી. મૃતકોમાં સાત મહિલા, બે નાના બાળકો અને એક પુરુષનો સમાવેશ થતો હતો. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને ગામવાસીઓ દોડી આવ્યા હતા અને જખ્મીઓને સિન્નરની ગ્રામિણ હોસ્પિટલ અને યશવંત હોસ્પિટલમાં ખસેડયા હતા. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં ગંભીર ઇજા પામેલા અમૂક લોકોની હાલત ચિંતાજનક હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

આ દુર્ઘટનાની જાણ થતા જ નાશિકના જિલ્લા કલેક્ટર ગંગાધરણ અને નાશિક જિલ્લાના પાલક પ્રધાન દાદાભુસે તરત જ સિન્નરની ગ્રામિણ હોસ્પિટલમાં પહોંચી દયા હતા અને જખમીઓના હાલ- ચાલ જાણી તેમને તમામ સારવાર મળી રહે તેવા નિર્દેશ આપ્યા હતા. 

આ ઘટનાની જાણ અંબરનાથના મોરિવલી ગામમાં થતા ગામના લોકો જે વાહન મળે તે વાહન લઇ સિન્નર ભણી દોડી ગયા હતા. મોરિવલી ગામના ઇતિહાસમાં આવી દુર્ઘટના પ્રથમવાર બની છે જેમાં એકસાથે ગામના દસ જણના મોત થયા છે. આ ઘટનાને લીધે મોરિવલી ગામમાં શોકની લહેર ફરી વળી છે.

સીએમ શિંદે દ્વારા તપાસનો આદેશ

બસના ગમખ્વાર અકસ્માત બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાશિકના ડિવિઝનલ કમિશનર સાથે વાત કરી ઇજાગ્રસ્તોને તાત્કાલિક નાશિક અને શિર્ડીની હોસ્પિટલમાં ખસેડવાના નિર્દેશ આપ્યા હતા. આ સાથે જ એક ટ્વિટ કરી દુર્ઘટના બાબતે શોક વ્યક્ત કરી ઇજાગ્રસ્તોની તમામ સારવારનો ખર્ચ સરકાર ભોગવશે તેવું જણાવ્યું હતું આ સાથે જ મૃતક દીઠ પાંચ લાખ રૃપિયાની સહાય જાહેર કરી આ પ્રકરણે તપાસનો આદેશ આપ્યો હતો. 

ડ્રાઈવરને બેફામ હંકારવા માટે ટોક્યો હતો

આ દુર્ઘટના બાદ અકસ્માતમાં નજીવી ઇજા સાથે બચી ગયેલા અમૂક લોકોએ માધ્યમોને જણાવ્યું હતું કે બસનો ડ્રાઇવર શરૃઆતથી જ ખૂબ ઝડપથી બસ હંકારી રહ્યો હતો. આ ઉપરાંત તે અવારનવાર જોરથી બ્રેક મારતો હતો જેથી ઠંડીમાં ઉંઘ ખેંચી રહેલા પ્રવાસીઓ આગળની સીટ સાથે અથડાતા હતા. તેના આવા રફ ડ્રાઇવિંગથી બસમાં પ્રવાસ કરતા અમૂક જણે તેને ટપાર્યો હતો અને બસ ધીમે હંકારવા જણાવ્યું હતું તેમ છતાં ડ્રાઇવર કોઇનું મોનતો નહોતો. 

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યોઃ વળતરની જાહેરાત

વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટના બાબતે દુઃખની લાગણી વ્યક્ત કરી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને બે લાખ રૃપિયાના વળતરની જાહેરાત કરી હતી. આ સાથે જ ઇજાગ્રસ્તો માટે પીએમનેશનલ રિલીફ ફંડમાંથી ૫૦ હજારની મદદ જાહેરાત એક ટ્વિટ દ્વારા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *