નડિયાદમાં બીએસએફ જવાનની ધારિયાના ઘા મારી હત્યા કરાઇ
નડિયાદ : નડિયાદ તાલુકાના ચકલાસી તાબે સૂર્યનગર પોતાની દીકરીનો વિડીયો વાયરલ કરનાર યુવકના ઘરે યુવતી ના પિતા, બે દીકરા, ભત્રીજો તથા માતા ઠપકો કરવા ગયા હતા. આ વખતે ઉશ્કેરાયેલા યુવકના પરિવારજનોએ યુવતીના પરિવાર પર ધારિયા લાકડીઓ થી હુમલો કરી યુવતી ના પિતા તથા એક ભાઈને માથામાં ધારિયું તથા લાકડી મારી જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. જેમાં ગંભીર રીતે ગવાયેલા યુવતી ના પિતા નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ઉપરાંત અન્ય ત્રણને ગડદા પાટુ નો માર માર્યો હતો. આ બનાવ સંદર્ભે યુવતી ની માતાએ ચકલાસી પોલીસ મથકે સાત ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના સૂર્યનગર, ચકલાસી તાબે મેલાજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ બી.એસ.એફ માં નોકરી કરતા હતા. તેઓને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. દીકરી ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. ગત રાત્રિના મેલાજીભાઈ તથા તેમના દીકરા નવદીપ, હનુમંતા તથા ભત્રીજો પ્રતાપભાઈ વાઘેલા બાઈક લઈને વનીપુરામાં રહેતા શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઈ જાદવ ના ઘરે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલે મેલાભાઈ ની દીકરી આકૃતિનો તેની સાથે નો વિડીયો મોબાઇલ ઉપર વાયરલ કરેલો હોય ઠપકો કરવા સારું ગયા હતા.
આ વખતે શૈલેષ ના ઘરની બહાર દિનેશ છબાભાઈ જાદવ, અરવિંદ છબાભાઈ જાદવ, છબાભાઈ ચતુરભાઈ જાદવ, દિનેશ નો ભત્રીજો સચિન અરવિંદભાઈ જાદવ તથા ભાવેશ ચીમનભાઈ જાદવ ઘરની બહાર તાપણી કરતા હતા. જેથી મેલાભાઈએ દિનેશને જઈને તેના દીકરા શૈલેષ ઉર્ફે સુનિલ બાબતે પૂછપરછ કરતા દિનેશ તથા તેની સાથેના માણસો ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા.
આ વખતે કૈલાશબેન અરવિંદ જાદવ તથા શાંતાબેન ચીમનભાઈ જાદવ નાઓ આવી અપશબ્દો બોલી તમે ખોટા ખોટા મારા છોકરા શૈલેષ ને બદનામ કરો છો. તેમ કહી ઉશ્કેરાઈ ગયા હતા. દરમિયાન દિનેશે મેલાભાઈ ને માથામાં ધારિયું મારી તથા નવદીપ ને માથામાં ધારિયું મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે સચિન લાકડી વડે મંજુલાબેન મેલાભાઈ ને લાકડીઓથી મારમારી તથા અન્યોને લાકડીઓથી મારમારી ગડદાપાટુનો માર માર્યો હતો.
જેમાં મેલાભાઈ તથા નવદીપ ને માથામાં ધારિયું મારતા ગંભીર રીતે ગવાયેલા પિતા પુત્ર લોહી લુહાણ થઈ ગયા હતા. તેઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મેલાભાઈ ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નવદીપ ને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ વધુ સારવાર અર્થે રિફર કર્યો હતો. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસે મંજુલાબેન વાઘેલાની ફરિયાદના આધારે દિનેશ જાદવ, અરવિંદ જાદવ, છબાભાઈ જાદવ, સચિન જાદવ, ભાવેશ જાદવ, કૈલાશબેન જાદવ તથા શાંતાબેન જાદવ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.