રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા, આખા ઉત્તરાખંડમાં ખળભળાટ

દેહરાદુન : ઉત્તરાખંડમાં એક રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી હત્યાકાંડમાં શનિવારે મોટો ખુલાસો થયો છે. પોલીસને બોડી ચિલ્લા પાવર હાઉસ પાસે એક કેનાલમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળ્યો હતો. ઉત્તરાખંડ પોલીસ વડા અશોક કુમારનું કહેવું છે કે ૧૯ વર્ષીય અંકિતાએ રિસોર્ટમાં મહેમાનોને ‘વિશેષ સેવા’ આપવાનો ઈનકાર કરતાં રિસોર્ટના માલિકે અન્ય બે કર્મચારીઓ સાથે મળીને અંકિતાની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ભાજપના નેતા અને રિસોર્ટના માલિક પુલકિત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. અંકિતાની હત્યામાં પુલકિતનું નામ આવતાં જ પિતા વિનોદ આર્યની ભાજપમાંથી હકાલપટ્ટી કરાઈ છે.

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારની એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી ૧૯ વર્ષીય અંકિતા ભંડારી ૧૮-૧૯મી સપ્ટેમ્બરથી ગાયબ હતી. પોલીસ અને એસડીઆરએફની ટીમો જિલ્લા પાવર હાઉસ પાસે શક્તિ કેનલમાં શોધ અભિયાન ચલાવતી હતી ત્યારે તેમને અંકિતા ભંડારીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ કેસમાં ભાજપ નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણની ધરપકડ કરી છે. બધાને ૧૪ દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી દેવાયા છે. અંકિતા ગુમ થઈ ત્યારથી પુલિક આર્ય અને રિસોર્ટનો મેનેજર સૌરભ ભાસ્કર અને મદદનીશ મેનેજર અંકિત ગુપ્તા ભાગી ગયા હતા.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું કે, આજે સવારે પુત્રી અંકિતાનો પાર્થિવ દેહ મળ્યો છે. દોષિતોને આકરી સજા અપાવવા પોલીસ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ પી. રેણુકા દેવીના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરાઈ છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ અપાયો છે. આરોપીઓના ગેરકાયદે બનેલા રિસોર્ટ પર શુક્રવારે રાત્રે જ બુલડોઝર ફેરવી દેવાયું છે. આ જધન્ય ગૂનાના દોષિતોને છોડાશે નહીં.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે શનિવારે કહ્યું કે, અંકિતા ભંડારીને રિસોર્ટ માલિકે મહેમાનોને ‘વિશેષ સેવા’ આપવા દબાણ કર્યું હતું, જેનો અંકિતાએ ઈનકાર કરી દીધો હતો. આ માહિતી અંકિતાની તેની મિત્ર સાથે ફેસબૂક પર થયેલી ચેટમાંથી મળી આવી હતી. અગાઉ અંકિતાની ફેસબૂક ફ્રેન્ડે જણાવ્યું હતું કે, તેની મિત્રની હત્યા કરાઈ હતી, કારણ કે તેણે તે જે રિસોર્ટમાં કામ કરતી હતી તેના માલિક દ્વારા મહેમાનો સાથે તેના પર સેક્સ કરવા દબાણ કરાયું હતું, જેનો તેણે ઈનકાર કર્યો હતો.

અંકિતા ૧૮-૧૯ સપ્ટેમ્બરથી લાપતા હતી. રિસોર્ટના માલિક પુલકિત આર્યે પોલીસને કહ્યું હતું કે, રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી રિસોર્ટમાં એક અલગ રૂમમાં રહેતી હતી. થોડાક દિવસથી તે માનસિક તણાવમાં હતી. તેથી ૧૮મીએ તેઓ તેને ઋષિકેશ ફરવા લઈ ગયા હતા. મોડી રાતે ત્યાંથી પાછા ફર્યા હતા. પરંતુ ૧૯મી સપ્ટેમ્બરે સવારથી અંકિતા ગાયબ થઈ ગઈ હતી.

બીજીબાજુ અંકિતાની મિત્રે કહ્યું કે, ૧૮મીએ રાતે ૮.૩૦ વાગ્યા પછી અંકિતાનો ફોન અનરિચેબલ આવતો હતો. તેણે વારંવાર ફોન કરવા છતાં તેનો સંપર્ક ન થતાં તેણે પુલકિત આર્યને ફોન કરતાં તેણે કહ્યું તે તેના રૂમમાં સુઈ ગઈ છે. બીજા દિવસે સવારે તેણે ફરી પુલિકત અને રિસોર્ટના મેનેજર અંકિતને અંકિતા અંગે પૂછ્યું હતું. પણ તેને સંતોષજનક જવાબ મળ્યો નહોતો. આથી તેણે રિસોર્ટના શેફને અંકિતા વિશેષ પૂછપરછ કરી હતી. શેફે તેને કહ્યું કે તેણે ગઈકાલ રાતથી જ અંકિતાને જોઈ નથી. રિસોર્ટનો માલિક પુલકિત આર્ય હરિદ્વારમાંથી ભાજપના નેતા વિનોદ આર્યનો પુત્ર છે.

અંકિતા ભંડારીની હત્યામાં પુલકિત આર્યનું નામ આવતાં જ ભાજપે તાત્કાલિક અસરથી વિનોદ આર્ય અને તેના ભાઈ અંકિત આર્યની પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. અંકિત આર્યને આયોગના પદ પરથી પણ હટાવી દેવાયો છે. વિનોદ આર્યે કહ્યું કે પુલકિત ઘણા સમયથી તેની સાથે રહેતો નથી. જોકે, તે પોલીસને તપાસમાં પૂર્ણ સહયોગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *