અમદાવાદીના એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા 11 કરોડ રૂપિયા પછી……..
અમદાવાદમાં એક વ્યક્તિ અમુક કલાક માટે કરોડપતિ બની ગયા. 26 જુલાઈએ રમેશ સાગર નામના વ્યક્તિના ડીમેટ એકાઉન્ટમાં અચાનક 11 કરોડ રૂપિયા આવી ગયા. જોકે, અમુક કલાકમાં જ એકાઉન્ટના રૂપિયાને પાછા લઈ લેવાયા. પરંતુ અમુક ક્ષણના કરોડપતિ સાગરએ 2 કરોડ રૂપિયા શેર બજારમાં રોકી દીધા, જેનાથી તેમને 5 લાખ રૂપિયાનો ફાયદો પણ થયો. સાગર કોટક સિક્યોરિટીઝ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે.
રિપોર્ટ અનુસાર રમેશ સાગર છેલ્લા 5-7 વર્ષોથી શેર બજારમાં નિયમિત રીતે રોકાણ કરતા આવી રહ્યા છે. એક વર્ષ પહેલા તેમણે કોટક સિક્યોરિટીઝમાં પોતાનુ એકાઉન્ટ ખોલ્યુ હતુ અને અમુક શેરોમાં રોકાણ કર્યુ. સાગરના ડીમેટ એકાઉન્ટમાં કુલ 11,677 કરોડ રૂપિયા આવ્યા હતા. જોકે, તે દિવસે માત્ર સાગર જ નહીં પરંતુ અન્ય ડીમેટ એકાઉન્ટ હોલ્ડર પણ હતા, જેમના એકાઉન્ટમાં રૂપિયા આવ્યા હતા પરંતુ આની વધુ જાણકારી નથી.
રમેશ સાગરના એકાઉન્ટમાં બેન્કની ભૂલના કારણે પૈસા આવી ગયા હતા. તેમને બેન્ક તરફથી એક માહિતી મળી, જેમાં કહેવામાં આવ્યુ હતુ કે એપમાં માર્જિન અપડેટની સાથે કોઈ સમસ્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ હતુ કે તમે ઓર્ડર આપવાનો ચાલુ રાખી શકો છો પરંતુ માર્જિન અપડેટ કરવામાં આવશે નહીં.
બેન્કએ આ માટે અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યુ હતુ કે અમે સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બેન્ક દ્વારા પૈસા પાછા લીધા પહેલા આઠ કલાક સુધી પૈસા રમેશના ખાતામાં હતા.
ઉલ્લેખનીય છેકે આવુ પહેલીવાર નથી થયુ જ્યારે બેન્કમાં ભૂલ થઈ છે. અગાઉ પણ દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી આવી ઘટના સામે આવી ચૂકી છે.