અમદાવાદના ઉદ્યોગપતિને યુવતી જોડે ફોન પર વાત કરવી ભારે પડી
નવરંગપુરાની સેંટ ઝેવિયર્સ કોલેજ રોડ પર રહેતાં પ્રાઈવેટ લીમીટેડ કંપનીના માલિક એવા ૬૮ વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાઈરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન લીધા હતા. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો.
આ વીડિયો વૃદ્ધને મોકલી આરોપીઓએ યુવતીએ સ્યુસાઈડનો પ્રયાસ કર્યો, યુવતી મરી ગઈ, યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ઓગષ્ટ થી ડિસેમ્બર,૨૦૨૨ના ચાર માસના સમયગાળામાં ટુકડે ટુકડે ૨,૬૯,૩૨,૦૦૦ની રકમ પડાવી હતી.બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે મંગળવારે રાત્રે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
યુવતી સાથે ફોન પર રંગરેલીયાના ચક્કરમાં વૃદ્ધનો વીડિયો બન્યોઃ CBI, પોલીસ અને કોર્ટના નામે બ્લેકમેઈલિંગ થયું
૬૮ વર્ષીય ઉદ્યોગપતિએ સાયબર ક્રાઈમમાં નોધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૮-૮-૨૦૨૨ના રોજ તેઓના મોબાઈલ ફોન પર વોટસએપથી રાત્રીના ૧૦ વાગ્યે રીયા શર્મા નામની યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. જવાબમાં ફરિયાદીએ પણ હલ્લો કરીને મેસેજ કરતા યુવતીએ પોતે મોરબી ગુજરાતથી હોવાનું જણાવી વીડિયો કોલ કર્યો હતો.
ફરિયાદીએ કોલ રિસિવ કરતા યુવતીએ આપણે વર્ચ્યુઅલી સેક્સ કરીએ જો કે, ઉદ્યોગપતિએ ઈનકાર કર્યો હતો. યુવતીએ કોલ પર પોતાના કપડાં કાઢી નાંખ્યા બાદ ઉદ્યોગપતિને જણાવેલ કે, હું તો અનેક લોકોને આ રીતે કોલ કરું છું. જસ્ટ આ તો વીડિયો છે, તેમ યુવતીએ જણાવતા ફરિયાદીએ પોતાના કપડાં ઉતારી દીધા હતા. એક મિનિટ સુધી કોલ ચાલ્યા બાદ યુવતીએ ફોન કાપી નાંખ્યો હતો.
વીડિયો વાઈરલની ધમકી આપી યુવતી અને સાગરિતોએ પોલીસના નામે ૪.૫૦ લાખ લીધા
યુવતીએ ઉદ્યોગપતિ સાથેના વર્ચ્યુઅલી સેક્સનો પોર્ન વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો ઉદ્યોગપતિને મોકલી વાઈરલ કરવાની ધમકી આપી ૫૦ હજાર એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદમાં દિલ્હીના પોલીસ ઈન્સ્પેક્ટર ગુડ્ડું શર્માની ઓળખ આપી યુવતીના સાગરિતે ત્રણ લાખ પડાવ્યા હતા.આ રકમ ચુકવ્યા બાદ સતીષ નામના શખ્સે કોલ કરી વીડિયો ગુડ્ડુએ મને આપ્યો છે, તેમ કહી બીજા એક લાખ એકાઉન્ટમાં ભરાવી કુલ ૪.૫૦ લાખ લીધા હતા.
યુવતીએ સ્યુસાઈડ એટેમ્પ કર્યાનું કહી પોલીસ,સીબીઆઈના નામે ૧.૩૦ કરોડ ખંખેર્યા
ઉદ્યોગપતિ પર ગત તા.૧૪મી ઓગષ્ટે કોલ આવ્યો જેમાં ફોન કરનાર દિલ્હીના પોલીસ ઈન્સ્પેક્ટર ગોસ્વામી તરીકે ઓળખ આપી હતી. આ શખ્સે ફરિયાદીને યુવતીએ સ્યુસાઈડનો પ્રયાસ કર્યા હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યાની વાત કરી હતી. યુવતીએ પોતાના નિવેદનમાં વીડિયોની વાત કરી તમારૂ નામ આપ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની તેમજ કેસ કરવાની ધમકી આપી આરોપીએ મીડિયો, હોસ્પિટલનો ખર્ચ તેમજ કેસ ના થવા દેવા માટેનો ખર્ચ કહીને ફરિયાદી પાસેથી ઓનલાઈન ૮૦.૭૭ લાખની રકમ પડાવી હતી.
સીબીઆઈ ઓફિસર સંદીપ શર્માના નામે આરોપીએ કોલ કરી ફરિયાદીને જણાવ્યું કે, રિચા શર્માએ વીડિયોને કારણે સ્યુસાઈડની કોશિષ કરી તે કેસ મારી પાસે છે. કેસ પુરો કરવાના નામે આરોપીએ બીજા ૧૮.૫૦ લાખ લીધા હતા.યુવતીની માતાની સહી કરેલી એફીડેવીટ ફરિયાદીને વોટસએપ કરી હતી.આ ઘટનાક્રમ બાદ ફરી દિલ્હી સીબીઆઈમાંથી ગોસ્વામી બોલતો હોવાનું કરી ટોળકીએ કેસ પતાવવા બીજા ૨૯.૩૫ લાખ ફરિયાદી પાસે ઓનલાઈન ખાતામાં ભરાવ્યા હતા.
યુવતી મરી ગઈ તેમ કહી જયપુર પોલીસ,દિલ્હીના ડીઆઈજી અને કોર્ટના નામે ૧.૩૫ કરોડ લીધા
જયપુરના પોલીસ અધિકારી તરીકે ફોન કરી શખ્સે યુવતી રીચા શર્મા મરી ગઈ છે. તમારી ધરપકડ કરવા અમારી પોલીસ નીકળી છે, તેમ કહી પોલીસ સાયરનનો અવાજ સંભળાવી વૃદ્ધને ડરાવી આરોપીએ ૧૯.૫૦ લાખ ભરાવ્યા બાદમાં પીઆઈ અર્જુન મીનાના નામે કોલ કરી શખ્સે કેસ પત્યો નથી. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ ગયો છે. તે હટાવવા તેમજ કેસ પુરો કરવામાં હું તમારી મદદ કરીશ તેમ કહી આરોપીએ ૧.૧૫ કરોડ ફરિયાદી પાસે ભરાવ્યા હતા. તે પછી આરોપીએ ફરી ફોન વાઈરલ વીડિયો ડિલીટ કરાવવા મંજૂરી માંગતા કોર્ટે કેસ વિડ્રો કરવાની ના પાડી દીધી છે.
આ કેસ પતાવવા બીજા ૧૧ લાખ આરોપીઓએ ભરાવ્યા બાદમાં દિલ્હીના ડીઆઈજી તાહીરના નામે ઓળખ આપતો ફોન ફરિયાદી પર આવ્યો હતો. એડ્વોકેટ પ્રશાંત પાટીલની કોર્ટે નિમણૂંક કરતા તેઓેએ તમારી સામે કેસ કર્યો છે. આ કેસથી બચવા માટેનું આરોપીએ દોઢ લાખ પડાવ્યા હતા. જો કે, ફોન કર્યો તે જ દીવસે આરોપીએ કોર્ટે કેસ બંધ કર્યાના ડોક્યુમેન્ટ મોકલતા ફરિયાદીને શંકા ગઈ હતી. કોઈ પણ કેસનું જજમેન્ટ કોર્ટ તે જ દીવસે આપે તેવું બનતું ન હોવાથી ઉદ્યોગપતિએ સાયબર સેલમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.