અભિનેત્રી તુનિશા શર્માની 27મીએ અંતિમવિધિ, પરિવાર ધ્રૂસકે-ધ્રુસકે રડી પડ્યો
મુંબઈઃ 20 વર્ષની ટેલેન્ટેડ ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ વસઈમાં એક સિરિયલના સેટ પર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધા બાદ આ મામલે તેના સહ-અભિનેતા અને કહેવાતા એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાન સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી પોલીસે શીઝાન ખાન સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી.તુનિશાની માતાની ફરિયાદને આધારે વાલીવ પોલીસે આઇપીસીની કલમ 306 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો નોંધી આ કાર્યવાહી કરી હતી. તુનિશા અને શીઝાન અલિબાબા-દાસ્તાન-એ-કાબુલ સિરિયલમાં લીડ રોલ ભજવતા હતા. શીઝાનને કોર્ટમાં હાજર કરવામાં આવતા વસઈની એક કોર્ટે તેને 28 ડિેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો.
આ પ્રકરણે નોંધાયેલ એફઆઇઆર મુજબ તુનિશા અને શીઝાન બન્ને પ્રેમસંબંધમાં હતા અને 15 દિવસ પહેલાં જ બન્નેનું બ્રેક-અપ થયું હતું. આ ઘટના બાદ તુનિશા ભાંગી પડી હતી અને ડિપ્રેશનમાં સરી પડી હતી. આ ડિપ્રેશને જ તેનો ભોગ લીધો હોવાનું કહેવાય છે.
તુનિશાનું પોસ્ટમોર્ટમ આજે જે. જે. હોસ્પિટલમાં થયું હતું. આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે તેના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા નહોતા. પોસ્ટમોર્ટમમાં એવું બહાર આવ્યું હતું કે ગળાંફાસો ખાધા બાદ ગુંગળામણને લીધે તેનું મોત થયું હતું. આ ઉપરાંત અભિનેત્રી ગર્ભવતી હોવાની અફવા ઊડી હતી, તે પણ સાવ ખોટી હોવાનું પોસ્ટમોર્ટમમાં જણાયું હતું. તનુશાએ શનિવારે તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તેણે તેના મિત્ર શીઝાન ખાનના મેકઅપ રૂમમાં જઈ પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વાલિવ પોલસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં આ પ્રકરણે 14 જણના નિવેદન નોંધવામાં આવ્યા છે.
અભિનેત્રીના મૃત્યુ બાદ તેની માતાએ તેના કો-સ્ટાર શીઝાન ખાન પર તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે શીઝાન ખાનની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કરતા ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. પોલીસે શીઝાનનો મોબાઈલ કબજે કરી તેમાંથી ટેકનિકલ પુરાવા મેળવવા પ્રયાસ કર્યો છે.
મુંબઈ પોલીસના એસીપી ચન્દ્રકાન્ત જાધવે મીડિયા સંવાદમાં જણાવ્યું હતું કે પટ્ટો બાંધી ફાંસો ખાવાને લીધી તુનિષાના શ્વાસ રુંધાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું તેમ પોસ્ટમોર્ટમમાં જણાયું છે. 15 દિવસ પહેલાં બ્રેક અપ થવાથી તે ભારે ડિપ્રેશનમાં સરી પડી હતી અને તેથી તેણે આપઘાત કર્યો હતો. તુનિશા સાથે કોઈએ જબરદસ્તી કરી હોય તેવું પોસ્ટમોર્ટમમાં જણાયું નથી. તેના શરીર પર ઈજાના નિશાન પણ નથી. આથી હત્યાની થિયરી હાલ નકારી કાઢવામાં આવે છે.
– લવ જેહાદની થિયરી નકારી
તુનિશા શર્માના આપઘાત માટે તેના પ્રેમી શીઝાન ખાનને જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે. આથી આ કિસ્સામાં લવ જેહાદના એન્ગલની પણ તપાસ થશે તેમ ભાજપના નેતા રામ કદમે જણાવ્યું હતું. જોકે, પોલીસે આ થિયરી નકારી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં લવ જેહાદ જેવું કશું જણાતું નથી. શીઝાન સાથે બ્રેક અપથી દુઃખી થઈને તેણે આપઘાત કર્યાનું લાગી રહ્યું છે.
– તુનિશાની 27મીએ અંતિમવિધિ
આપઘાત કરનારી અભિનેત્રી તુનિશા શર્માની અંતિમવિધિ તા. 27મીએ મીરા રોડ ખાતે યોજાશે તેમ તેના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું.
– શીઝાનના અન્યત્ર અફેરનો પણ આક્ષેપ
તુનિશાએ પોતાની માતાને બ્રેક અપ વિશે જણાવ્યું હતું. તે ભારે વ્યથિત પણ હતી. પરંતુ, અચાનક તે આપઘાત જેવું પગલું ઉઠાવી લે તે બહુ માન્યામાં આવતું નથી. તુનિશાના કેટલાક પરિવારજનોના આરોપ મુજબ શીઝાન ખાનનું બીજી યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની તુનિશાને શંકા ગઈ હતી. આ કારણોસર જ શીઝાને બ્રેકઅપ કર્યું હોવાનું તેને લાગ્યું હશે. આથી તે એકદમ જ હતાશ થઈ ગઈ હતી.