અભિનેત્રીની માતાનો ચોંકાવનારો આરોપ – બોયફ્રેન્ડે તુનિષા સાથે ચીટિંગ કરી ગેરલાભ ઉઠાવ્યો

મુંબઇ : બે દિવસ પહેલા વસઇના એક સિરિયલના સેટ પર અભિનેત્રી તુનિષા શર્માએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ તુનિશાની માતાએ આજે એવો આરોપ કર્યો હતો કે તેના કો-સ્ટાર શીઝાન ખાને તેમની પુત્રીને છેતરી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો.

શર્માની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે વાલિવ પોલીસે શર્માના કો-સ્ટાર શીઝાન ખાન સામે આઇપીસીની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધી રવિવારે તેની ધરપકડ કરી હતી.

દરમિયાન તુનિષા શર્માની માતાએ આજે પત્રકારો સાથે વાત કરતા ખાને તેમની પુત્રીને છેતરી હોવાનો દાવો કર્યો હતો. તેની માતાએ માધ્યમોને જણાવ્યું હતું કે શીઝાન તુનિષા સાથે સંબંધમાં હતો. જ્યારે તે તુનિષાને ડેટ કરી રહ્યો હતો ત્યારે તે અન્ય મહિલા સાથે પણ સંબંધમાં હતો. તુનિષાની માતાએ વધુ આરોપ કરતા જણાવ્યું હતું કે ખાને ત્રણથી ચાર મહિના તુનિષાની લાગણીઓ સાથે રમત રમી હતી. હતો. આ માટે શીઝાનને સજા થવી જોઇએ અને તેને છોડવો જોઇએ નહી. મે મારુ બાળક ગુમાવ્યું છે તેવું વિચલિત માતાએ જણાવ્યું હતું.

દરમિયાન હાલમાં પોલીસ તુનિષાઅને ખાનના વોટસએપ ચેટ અને કોલ રેકોર્ડની ચકાસણી કરી રહી છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત એવું પૂછવામાં આવતા કે આત્મહત્યા સમયે તુનિશા ગભર્વતી હતી કે કેમ? ત્યારે તપાસ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગર્ભાવસ્થાના કોઇ સંકેત મળ્યા નહોતા.

તુનિષા શર્માએ નાની ઉંમરમાં એક્ટીંગમાં કેરિયર શરૃ કરી હતી. અને ભારત કા વીરપુત્ર- મહારાણા પ્રતાપ, ફિતૂર અને બાર-બાર દેખો જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. છેલ્લે જ્યારે તેણે આત્મહત્યા કરી ત્યારે અલીબાબા-દાસ્તાને કાબૂલ સિરિયલના શૂટિંગમાં વ્યસ્ત હતી. બનાવના દિવસે તે શીઝાનના મેકઅપ રૃમમાં ગઇ હતી અને ઘણા સમય સુધી બહાર ન આવતા દરવાજો તોડવામાં આવ્યો ત્યારે તે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

શીઝાનનો દાવોઃ અલગ ધર્મ તથા વયમાં તફાવતને લીધે બ્રેકઅપ કર્યું

તુનિશા શર્માની આત્મહત્યા પ્રકરણે વસઇની વાલિવ પોલીસના સૂત્રોનુસાર તુનિશા શર્માની આત્મહત્યા મામલે અટકમાં લેવાયેલ શીઝાને તેના પ્રાથમિક નિવેદનમાં એવો ખુલાસો કર્યો હતો કે બંને કલાકારો એક-બીજા સાથે રિલેશનશિપમાં હતા એ વાત સાચી છે કે જો કે બંનેના ધર્મ અલગ હોવાથી અને ઉંમરના તફાવતના લીધે બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. જો કે પોલીસને શીઝાનના આ નિવેદન પર ભરોસો નથી થતો કારણ કે તુનિશાના પરિવાર-જનોએ શીઝાનના એકથી વધુ તરુણીઓ સાથે સંબંધ હોવાનો આરોપ કરી તે તુનિશાનો વિશ્વાસઘાત કરી રહ્યો હોવાનો આરોપ કર્યો હતો. પોલીસનું માનવું છે કે આવી પરિસ્થિતિ વચ્ચે બચવાના આશયથી તેણે ધર્મ અને ઉંમરની તફાવતની વાત ઘડી કાઢી હતી.

કેટલાક અહેવાલો અનુસાર શીઝાને એવું પણ કહ્યું છે કે શ્રદ્ધા વાલ્કર અને આફતાબના સંબંધોએ જે રીતે કરુણ વળાંક લીધો તે પછી તે ડરી ગયો હતો અને તેણે બ્રેક અપ કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *