GUJARAT

દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત ને બોટલો લઈ લોકો દોડ્યા

પાટણના સિદ્ધપુર પાસે આજે એક દારૂ ભરેલી કારને અકસ્માત નડતાં સ્થાનિક લોકોએ દારૂ અને બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. લોકો પેન્ટના ખિસ્સામાં અને હાથમાં જેટલી બોટલો અને બિયરનાં ટિન આવ્યાં એ લઈ ભાગ્યા હતા. થોડીવાર માટે તો હાઈવે પર એવાં દૃશ્યો સર્જાયાં હતાં કે જાણે કારમાંથી કોણ વધુ દારૂની બોટલ અને બિયરનાં ટિન લઈ જાય એની હરીફાઈ ચાલી રહી હોય.

સિદ્ધપુર રોડ પર પુનસણ પાસે આજે સ્કોડા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હોવાની સ્થાનિક લોકોને જાણ થતાં લોકોએ અકસ્માતની ઘટનામાં પણ અવસર શોધી લીધો હતો અને દારૂ-બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી હતી. દારૂ અને બિયર લેવા માટે જાણે લોકો વચ્ચે હરીફાઈ જામી હોય એ રીતે કોઈ પાંચ તો કોઈ આઠ દસ બોટલ અને બિયરનાં ટિન લઈને જતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે દારૂ લઈ જવામાં મહિલાઓ પણ પાછળ રહી ન હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં જ કારમાં રહેલો દારૂનો જથ્થો લોકો ઉઠાવી ગયા હતા, જેને કારણે પોલીસને ખાલી કાર જ મળી આવી હતી.

સ્કોડા કાર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. (1) વિજયભાઈ બાબુભાઈ દેસાઈ (2) જીગરભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર (3) રાઠોડ જયંતીભાઈને 108માં ધારાપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *