આઈશર-કાર વચ્ચે અકસ્માતમાં એક જ ગામના 4 સભ્યોના મોતથી સન્નાટો ફેલાયો
તળાજા, : મહુવા તાલુકાના નીપ સથરા ગામનો પરિવાર ભાવનગર હોસ્પિટલમાં મહીલાની સારવાર માટે લઈ જઈ પરત ફરી રહ્યો હતો તે વેળાએ તળાજાના શૈત્રુજી નદીના પુલ પાસે મહુવા તરફથી આપતા આઈશર સાથે કારનો ધડાકાભેર અકસ્માત સર્જાતા બે મહીલા સહિત ત્રણના સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં. ગોજારી દુર્ઘટનાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના નીપ સથરા ગામે રહેતા અને પીપાવાવ પોર્ટમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ઉગાભાઈ જોળીયા (ઉ.વ. 45), કૈલાસબેન વિજયભાઈ જોળીયા (ઉ.વ. 40), પુરીબેન શિવાભાઈ જોળીયા (ઉ.વ. 40) અને કમલેશભાઈ અજયભાઈ જોળીયા તમામ નીપ સથરા ગામેથી ભાવનગર મહીલાની પેરાલીસીસની સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલ બતાવવા માટે ગયા હતા. ત્યાથી દવા લઈ પરત ભાવનગરથી પોતાના ગામ નેપ જવા માટે કાર નંબર જીજે. 04.સીજે. 4481 માં નિકળ્યા હતા. તે વેળાએ બપોરે 1.45 કલાકના અરસા દરમિયાન તળાજાના શેત્રુજી નદીના પુલ પાસે પહોંચતા સામેથી મહુવા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ આઈશર જીજે. ૦4.એડબલ્યુ- 4403 સાથે કારનો ધડાકાભેર અકસ્માત સર્જાતા ગોજારી દુર્ઘટના સર્જાવા પામી હતી.
અકસ્માતમાં ઘટનાસ્થળ પર જ કૈલાસબેન વિજયભાઈ અને પુરીબેન શિવાભાઈના કમકમાટી ભર્યા મોત નિપજવા પામ્યા હતા. જ્યારે વિજયભાઈ જોળીયા અને કમલેશભાઈ જોળીયાને તાત્કાલીક સારવાર અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે વિજયભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે કમલેશભાઈને ૧૦૮ મારફતે ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવતા તેઓએ હોસ્પિટલ બિછાને અંતિમ શ્વાસ લીધા હતાં.
ઉક્ત ગોજારી દુર્ઘટનાના પગલે ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ જવા પામ્યો હતો. અને લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવના પગલે માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા તળાજા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યારે કરૂણાતિંકાને લઈ રાજકિય અગ્રણીઓ અને નિપ ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.
અકસ્માતમાં પતિ- પત્નીએ દમ તોડયો
મહુવાના નિપ સથરા ગામના રહેવાસી અને પીપાવાવ પોર્ટમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયભાઈ જોળીયાના પત્ની કૈલાસબેનની ભાવનગર સારવાર ચાલતી હોય જેને લઈ પરીવાર ભાવનગર ખાનગી દવાખાને બતાવવા માટે ગયો હતો. અને ત્યાથી દવા લઈ પરત પોતાના ગામ જઈ રહ્યો હતો. તે વેળાએ તળાજાની શેત્રુજી નદીના વળાંકમાં ગોજારી દુર્ઘટના સર્જાવા પામી હતી. જેમા વિજયભાઈ જોળીયા અને તેમના પત્ની કૈલાસબેનના સજોડે મૃત્યુ નિપજવા પામ્યા હતા.