ચાંદીના કડા માટે લુંટારુઓએ 108 વર્ષની વૃધ્ધાના બંને પગ કાપી નાંખ્યા
ભારે હાહાકાર મચાવનારા આ બનાવમાં લુંટારુઓ 108 વર્ષની વયોવૃધ્ધ મહિલાના ચાંદીના કડા માટે તેના બે પગ કાપી નાંખ્યા હતા.આ ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે.સમગ્ર જયપુરમાં આ લૂંટની ચર્ચા ચાલી રહી છે.
પોલીસના કહેવા પ્રમાણે જયપુરની મીણા કોલોનીમાં રહેતા 108 વર્ષના જમુના દેવી સવારે ઘરમાં એકલા હતા ત્યારે સાડા પાંચ વાગ્યે લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા અને તેમને ઢસડીને બહારની તરફ બનેલા બાથરુમમાં લઈ ગયા હતા.જ્યાં તેમણે જમુના દેવીના પગમાંથી ચાંદીના કડા કાઢવાની કોશિશ કરી હતી પણ સફળતા મળી નહોતી.
એ પછી લુંટારુઓએ શેતાનને પણ શરમાવે તેવી ક્રુરતા બતાવીને ધારદાર હથિયારથી તેમના બંને પગ ઘૂંટણથી નીચે કાપી નાંખ્યા હતા.લૂંટારુઓ બાદમાં કડા કાપીને અને પગના કપાયેલા હિસ્સા ત્યાં જ ફેંકીને જતા રહ્યા હતા.
લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતા જમુના દેવીને બાદમાં મંદિરથી ઘરે આવેલી તેમની પુત્રી તેમજ બીજા લોકોએ જોયા હતા.જોત જોતામાં આગની જેમ આ વાત ફેલાઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
દરમિયાન પોલીસે વૃધ્ધાને હોસ્પિટલમાં મોકલીને તપાસ હાથ ધરી છે.પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.રાજસ્થાનમાં આ પહેલા કોટામાં પણ આ જ રીતે લુંટારુઓ વૃધ્ધાનો એક પગ કાપીને ચાંદીનુ કડુ લૂંટી ગયા હતા.આમ કોટા વિસ્તારમાં પણ લોકોમાં આક્રોશ છે.કારણકે આ લૂંટના આરોપીઓ પણ હજી પકડાયા નથી.