GUJARAT

વડોદરા નજીક દરજીપુરા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત

વડોદરા નજીક બપોરે બાર વાગ્યે દરજીપુરા હાઇવે પાસે કન્ટેનર ડિવાઇડર કૂદીને સામેથી આવતા છકડામાં ઘુસી જતા ૧૦ મુસાફરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે સાત મુસાફરોને ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હરણી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.મોડી સાંજ સુધી પાંચ મૃતકોની ઓળખ થઇ હતી.

આજે બપોરે હાઇવે પર દુમાડ ચોકડીથી છકડા રિક્ષામાં મુસાફરો બેસાડીને ગોલ્ડન ચોકડી થઇ ડ્રાઇવર વાઘોડિયા ચોકડી તરફ જતો હતો.આજવા ચોકડી પહેલા દરજીપુરા ગામ હાઇવે પાસે સામેથી એક કન્ટેનર ડિવાઇડર કૂદીને સીધું ધડાકાભેર રોંગ સાઇડ છકડામાં ઘુસી ગયું હતું,અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા સ્થળ પર જઇને પતરા કાપીને મુસાફરોને બહાર કાઢ્યા હતા.ભર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો, બે મહિલા સહિત ૧૦ ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય ૭ મુસાફરોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ હરણી પોલીસને કરવામાં આવતા પી.આઇ.એસ.આર.વેકરિયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.અકસ્માત અંગે પોલીસે જણાવ્યું હતું કે,સુરત તરફથી એક કન્ટેનર અમદાવાદ તરફ જઇ રહ્યું હતું.તે દરમિયાન કારચાલક સાથે ઓવરટેક કરવાના મુદ્દે સાધારણ ટક્કર વાગી હતી.કાર ચાલકને બચાવવા જતા કન્ટેનરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.અને કન્ટેનર ડિવાઇડર કૂદીને સામેથી આવતા છકડામાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.હરણી પોલીસે આ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવાળીમાં દીકરીના લગ્ન પહેલા જ માતાની અંતિમ વિદાય
માતા ડાયાલિસિસ કરાવવા માટે દેવગઢ બારિયાથી વડોદરા આવ્યા હતા

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વાંદરા ગામે રહેતા સવિતાબેન દિલીપભાઇ બારિયા (ઉ.વ.૪૦) ને છેલ્લા એક વર્ષથી કિડનીની બીમારી હતી.અને વાઘોડિયા રોડ પર આવેલી હોસ્પિટલમાં તેઓની ડાયાલિસિસની સારવાર ચાલતી હતી.આજે તેઓ ઘરેથી ડાયાલિસિસ માટે આવતા હતા.સવિતાબેન અને તેઓના કાકા સસરા જુઆનસિંહ બારિયા તથા નીરૃબેન ગોલ્ડન ચોકડી આવીને તેઓ છકડામાં બેસીને વાઘોડિયા જતા હતા.તે સમયે દરજીપુરા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સવિતાબેન અને જુઆનસિંહના મોત થયા હતા.અકસ્માતની જાણ તેઓના પરિવારને કરવામાં આવતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.સવિતાબેનની દીકરી ટીકુબેનના આગામી દિવાળી દરમિયાન લગ્ન લેવાનું હતું.દિવાળીમાં પોતાની દીકરીને લગ્નમાં વિદાય આપે તે પહેલા જ તેમણે અંતિમ વિદાય લીધી છે.

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો

વડોદરા,ભર બપોરે હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં છકડા રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો.અને કન્ટેનર દરજીપુરાની દીવાલને અથડાયું હતું.અકસ્માતના પગલે નેશનલ હાઇવે – ૪૮ પર અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો.અને હાઇવે પર એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન લાગી હતી.અને વાહન ચાલકો અટવાઇ ગયા હતા.ટ્રાફિક પોલીસની ટીમે ઘટના સ્થળે જઇ ટ્રાફિક ડાયવર્ટ કરી વાહન વ્યવહાર પૂર્વવત્ કર્યો હતો.

અકસ્માતમાં છકડાના ડ્રાઇવરનું મોત નિપજ્યું
ડ્રાઇવરની બાજુમાં બેસેલા બે મુસાફરો રોડ પર ફંગોળાઇ જતા બચી ગયા

વડોદરા, છકડા રિક્ષામાં આગળ ડ્રાઇવરની બાજુમાં બેસેલા બે મુસાફરો બહારની સાઇડ ફેંકાઇ જતા તેઓને ઓછીવત્તી ઇજા થઇ હતી.જે પૈકી એક મુસાફર નરેશે જણાવ્યું હતું કે,હું ગામડે ગયો હતો.ત્યાંથી મજૂરી કામ માટે સામાન લઇને પરત વડોદરા આવ્યો હતો.અને છકડામાં બેસીને વાઘોડિયા ચોકડી જતો હતો.તે સમયે અકસ્માત થયો હતો.

જ્યારે અન્ય એક મુસાફર અરવિંદભાઇ પણ છકડામાં ડ્રાઇવરની બાજુમાં બેઠા હતા.તેઓનો પણ બચાવ થયો હતો.અરવિંદભાઇ પાવાગઢથી પરત આવ્યા હતા.અને કપુરાઇ જવા માટે ગોલ્ડન ચોકડીથી છકડામાં બેઠા હતા.આ અકસ્માતમાં છકડાના ૨૪ વર્ષના ડ્રાઇવર સંદિપ સુરેશભાઇ ચાવડા (રહે.ભગવતી સોસાયટી, દંતેશ્વર)નું મોત થયું છે.

આઇકાર્ડના આધારે સલાટવાડાના આધેડની ઓળખ થઇ
વડોદરા,સલાટવાડા હરિભક્તિની ચાલીમાં રહેતા ૫૦ વર્ષના રાકેશ બાંકેબિહારી મિશ્રાનું પણ અકસ્માતમાં મોત થયું હતું.પોલીસને મૃતક પાસેથી મળેલા આઇ કાર્ડના આધારે તેના પરિવારનો સંપર્ક કર્યો હતો.પરિવારને જાણ થતા હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.પતિના મોતના પગલે પત્નીએ સયાજી હોસ્પિટલમાં હૈયાફાટ રૃદન કરતા ગમગીની છવાઇ ગઇ હતી.

મૃતકના પરિવારને ચાર લાખની સહાય જાહેર કરાઇ
વડોદરા, દરજીપુરા હાઇવે પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.જ્યારે ૭ ને ઓછીવત્તી ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.રાજ્ય સરકારે મૃતકના પરિવારને ચાર લાખ અને ઇજાગ્રસ્તના પરિવારને ૫૦ હજારની સહાય જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *